એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ લેન્ડિંગ બાદ 35 ફૂટ ખાઈમાં પડતા બે ટુકડાં થયા, 123 ઘાયલ, 18ના મોત

વંદે ભારત મિશન અંતર્ગત પ્લેન દુબઇથી ભારત આવ્યું હતું. કેરળના કોઝિકોડ એરપોર્ટ પર શુક્રવારે સાંજે મોટી દુર્ઘટના થઇ હતી. વંદે ભારત મિશન અંતર્ગત દુબઇથી આવી રહેલું એર ઇન્ડિયાનું પ્લેન લેન્ડિંગ વખતે ફસડાઇ ગયું હતું. વરસાદ વધારે હોવાના લીધે સાંજે 7.41 વાગ્યે આ દુર્ઘટના બની હતી. રન વેથી ઓવરશૂટ થયા બાદ પ્લેેન 35 ફૂટ ખાઇમાં પડ્યું હતું જેના લીધે તેના બે ટુકડાં થઇ ગયા હતા.

મલ્લાપુરમના એસપીએ જણાવ્યું છે કે આ ફ્લાઇટમાં ક્રૂ સહિત 190 મુસાફરો હતા. તેમાં 128 પુરુષ, 46 મહિલા, 10 નવજાત બાળકો અને 6 ક્રૂ મેમ્બર્સ (બે પાયલટ અને 4 કેબિન ક્રૂ) સામેલ હતા. આ દુર્ઘટનામાં 18 લોકોના મોત થયા છે. તેમાં એરફોર્સના રિટાયર્ડ વિંગ કમાન્ડર દીપક વસંત સાઠે સામેલ છે જેઓ પ્લેન ઉડાવી રહ્યા હતા. કો પાયલટ અખિલેશ કુમાર પણ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે. અને અકસ્માતમાં એક બાળકીનો બચાવ થયો હતો પરંતુ તેનાં માતા-પિતાની ભાળ મળી શકી નથી. પોલીસ કર્મચારીએ કહ્યું કે તેના માતા-પિતા જીવિત છે કે કોઈ હોસ્પિટલમાં છે તેનો હજુ સ્પષ્ટ ખ્યાલ આવ્યો નથી.

કોઝિકોડના કરિપુરનું એરપોર્ટ પર્વતીય વિસ્તારમાં છે. તેનો રનવે ટેબલ ટોપ છે. એટલે કે, એક ચોક્કસ અંતર પછી રનવેના આગળના ભાગમાં ઊંડી ખીણ છે. આવા સ્થળે પાઈલટ પાસે વિમાન રોકવા માટે ઘણી ઓછી જગ્યા હોય છે. એવું કહેવાય છે કે, ભારે વરસાદના કારણે લેન્ડિંગ કરતા સમયે વિમાન રનવે પર આગળ નીકળીને ખીણમાં પડી ગયું.

કોરોના મહામારીના લીધે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા ચાલી રહેલા વંદે ભારત મિશન અંતર્ગત આ પ્લેન અહીં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેરળના મુખ્યમંત્રી પી. વિજયન સાથે આ દુર્ઘટના અંગે વાત કરી હતી. મુખ્યમંત્રીએ વડાપ્રધાનને અત્યારે ચાલી રહેલા રેસ્ક્યૂ ઓપરેશન અંગે માહિતગાર કર્યા હતા.

ગૃહમંત્રી અમિત શાહ એ ટવીટ કરીને એર ઇન્ડિયા એક્સપ્રેસ દુર્ઘટના અંગે સાંભળીને દુ:ખ થયું. રેસ્ક્યૂ માટે NDRFની ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાના આદેશ આપ્યા છે.