ગુજરાતમાં જમીન પડાવી લેનારાઓની હવે ખેર છે : ગુજરાત સરકાર

ગુજરાતમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સરકારી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કે જાહેર ટ્રસ્ટ-ધર્મસ્થાનકો, ખેડૂતો કે ખાનગી વ્યકિતની માલિકીની જમીન પર ગેરકાયદે કબજો જમાવનારા ભૂમાફિયા સામે કડકાઇથી અમલ કરવાનો  સખ્ત એકટ-ખરડો પસાર કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં ભૂમાફિયા વિરુદ્ધ કાયદાને કડક બનાવવાની તૈયારી ચાલી રહી છે. આ માટે ગુજરાત લેન્ડ ગ્રે-સિંગ (પ્રોવિઝન) બિલ 2020 માં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાયદામાં સુધારા માટેનું બિલ આગામી વિધાનસભા સત્રમાં પસાર કરવામાં આવશે. આમાં સુધારો કર્યા પછી ભૂમાફિયાઓને 10 વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે.

જમીન કૌભાંડમાં સામેલ દરેક વ્યક્તિને સજા ભોગવવી પડશે. સુધારેલા કાયદામાં સજા ઉપરાંત જમીન માફિયાઓ પાસેથી જમીનના બજાર ભાવે દંડ ભરવાની જોગવાઈ રહેશે. આ ઉપરાંત જમીન કૌભાંડમાં સામેલ તમામ લોકોને પણ આ સજા ભોગવવી પડશે. આ દરખાસ્ત વિધાનસભાના છેલ્લા સત્રમાં તૈયાર કરવામાં આવી હતી, પરંતુ કોરોનાને કારણે વિધાનસભામાં પસાર થઈ શકી નહીં.

જમીનના કૌભાંડોના કેસો એટલા જટિલ છે કે મહિનાઓ અને વર્ષો સુધી કેસો ચાલુ રહે છે. કારણ કે, ભ્રષ્ટ સરકારી કર્મચારીઓ-અધિકારીઓની સાથે મળીને સરકારની અથવા અન્ય વ્યક્તિની ખાનગી જમીનનો કબજો મેળવવા માટે ભૂમિ માફિયાઓને બનાવટી દસ્તાવેજો મળે છે. સુનાવણી લાંબા સમય સુધી ચાલે છે જ્યારે કેસ કોર્ટમાં જાય છે. તેને ધ્યાનમાં રાખીને જમીનના વિવાદોના સમાધાન માટે એક અલગ અદાલતની પણ વિચારણા કરવામાં આવી રહી છે.

ધ ગુજરાત લેન્ડ ગ્રે-સિંગ (પ્રોહિબિશન) એકટ-વટહુકમની કેટલીક મહત્વપૂર્ણ જોગવાઇઓ 

  • આ એકટમાં એવી કડક જોગવાઇઓ કરવામાં આવી છે કે રાજ્યમાં કોઈપણ સ્વરૂપે જમીન હડપવી કે જમીન હડપવાના હેતુથી કરેલી અન્ય ગતિવિધિ પ્રતિબંધિત, ગેરકાનૂની અને દંડનીય અપરાધ ગણાશે.
  • આવા જમીન હડપ કરવાના કેસોની ઝડપી-પારદર્શી તપાસ-સૂનાવણી માટે તેમજ ભૂમાફિયાઓને કડક સજા માટે રાજ્ય સરકાર વિશેષ અદાલતોની જરૂરિયાત મુજબ રચના કરશે.
  • આવી વિશેષ અદાલત વધુમાં વધુ કેસોમાં  કેસ અદાલતમાં દાખલ થયાના છ મહિનામાં આવા કેસનો નિકાલ કરશે તેવી વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવશે.
  • રાજ્ય સરકાર કેસોની ઝડપી સૂનાવણી માટે દરેક વિશેષ અદાલતમાં એક સરકારી વકીલ (પબ્લીક પ્રોસિક્યુટર)ની નિમણુંક કરશે.
  • આવી વિશેષ અદાલત સુઓ મોટો (suo moto) લઈ જમીન હડપનારા સામે નિયમાનુસાર કડક કાનૂની કાર્યવાહી કરી શકશે.
  • ધ ગુજરાત લેન્ડ ગ્રે-સિંગ (પ્રોહિબિશન) એકટ ૨૦૨૦ની જોગવાઇ મુજબ જમીન હડપવા સાથે સંકળાયેલા અન્ય ગુનાઓ હડપેલી જમીનને વેચાણ માટે મૂકવી કે તે માટે જાહેરાત આપવી, અન્ય વ્યક્તિને જમીન હડપવા માટે પીઠબળ પૂરું પાડનારા કે પ્રોત્સાહન-લોભ લાલચ આપનારા વ્યકિતને પણ ૧૦ થી ૧૪ વર્ષ સુધીની કેદ અને જંત્રી કિંમત જેટલો શિક્ષાત્મક દંડ ભરવો પડશે.
  • આ ઉપરાંત આવી હડપેલી જમીન પર બાંધકામ માટે કરાર કરવા કે અન્ય દ્વારા હડપ થયેલી જમીન ખરીદવા/ હસ્તક લેનારાની પણ એટલી જ સજા થશે.
  • મુખ્યમંત્રીએ ગુજરાતમાં શહેરો-નગરો-મહાનગરોની સર્વાંગી વિકાસ યાત્રાને વેગવંતી બનાવવા ઊદ્યોગ-વેપાર-ખેતી-પશુપાલન તેમજ રોજગાર અવસરોના વ્યાપથી જમીનોના મહત્તમ યોગ્ય ઉપયોગ દ્વારા ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતના નિર્માણની નેમ સેવી છે.
  • આ નેમને સાકાર કરવાની દિશામાં ગુજરાત લેન્ડ ગ્રે-સિંગ પ્રોહિબીશન એકટ નવું સિમાચિન્હ બનશે.

નીચે આપેલી લિંક પર ક્લિક કરીને જોડાઓ ફર્સ્ટ નેશન ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.