અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 શ્રેય હોસ્પિટલમાં ગત મધ્યરાત્રીએ 3 વાગ્યાની આસપાસ અચાનક આગ લાગી હતી. આ આગમાં કોરોનાના 8 દર્દીના મોત થયાનું પ્રાથમિક અહેવાલમાં જાણવા મળ્યું છે. જ્યારે અન્ય 25 દર્દીઓને સુરક્ષિત રીતે અન્ય હોસ્પિટલમાં ખસેડવાની કામગીરીમાં ફાયર વિભાગની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.
દુર્ઘટનાની જાણ થતા જ મધ્યરાત્રીએ 15થી વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે પોલીસની ટીમ પણ મોડી રાતથી ઘટના સ્થળ પર જ છે. એવું પણ મનાય છે કે, આ આગ શોર્ટસર્કિટને કારણે લાગી હતી. જોકે ફાયર વિભાગ આ અંગે તપાસ કરી રહ્યું છે. હાલમાં આરોગ્ય સચિવ જયંતિ રવિ ઘટના સ્થળે પહોંચ્યા છે. તેઓએ જણાવ્યું કે, સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરવામાં આવશે અને આ દુર્ઘટના પાછળ કોની બેદરકારી છે તેની પણ તપાસ કરશે.