જમાલપુર ખાતે બ્રિજ નીચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓટલા (જગ્યા) ફાળવવામાં આવી હતી. તે જગ્યા લોકડાઉન દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ વિભાગ દ્વારા રાતોરાત દૂર કરી નાખવામાં આવી. જેના પગલે લારી ગલ્લા પાથરણા સંઘ ગુજરાતના મુખ્ય કન્વીર રાકેશ ભારતીય દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર મુકેશ કુમાર સાહેબશ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
જમાલપુર ખાતે બ્રિજ નીચે ૫૦૦ કરતાં વધારે લોકો વર્ષોથી શાકભાજી વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમના ફોટા તેમજ નામ સાથેના આઇકાર્ડ પણ બનાવી આપવામાં આવ્યા છે અને કોરોના મહામારીને લીધે લોકડાઉનના કારણે લોકોને ત્રણ મહિનાથી વધારે સમયથી કામધંધા બંધ હોવાથી તેમના જીવનનિર્વાહ કરવામાં ખુબ જ તકલીફ પડી રહી છે. ત્યાં રોજે રોજનું કમાઇને જીવન જીવતા આ શાકભાજી વેચતા લારી ગલ્લાવાળાઓને લઇ યોગ્ય ન્યાય થવો જોઈએ.
આવેદન પત્રમાં જણાવ્યું છે કે આ પ્રશ્નનું સંવિધાનિક રીતે ત્વરિત નિરાકરણ ના આવે તો, મજબુર થઇ કાયદાકીય પોલીસ પરમિશન સાથે ધારણા કે રેલી યોજી અમારા હક્ક અને અધિકારની માંગણી કરીશું જેની સંપુણ જવાબદારી સાહેબશ્રી ની રહેશે.
ભારત સરકાર દ્વારા પણ આત્મનિર્ભર થવા માટે સ્વનિધિ યોજના અંતર્ગત ફેરિયાઓ માટે લોન આપી રહી છે. પરંતુ તેમના કામધંધા બંધ હશે તો તે લોકો આત્મનિર્ભર કેવી રીતે બનશે અને પોતાના પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવશે. તે ખરેખર ચિંતા નો વિષય છે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.