ગુજરાત : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલએ જણાવ્યું કે, આ વર્ષે રાજ્યમાં થયેલા ભારે વરસાદને કારણે જે રસ્તાઓને નુકસાન થયું છે. આવા તમામ રસ્તાઓ નવરાત્રિથી દિવાળી સુધીમાં રસ્તાઓનું સમારકામ પૂરું કરવામાં આવશે. રાજ્યમાં કોવિડ-19ના કારણે શ્રમિકોની અછત હોવાના લીધે પણ કામો શરૂ કરવામાં વિલંબ થઇ રહ્યો છે. આજ રીતે આજ સુધી પણ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. એટલે જેવો વરસાદ રોકાશે કે તાત્કાલિક માર્ગોના મરામતના કામો સત્વરે હાથ ધરાશે. તબક્કાવાર તમામ કામો પૂર્ણ કરવાનું અમારું આયોજન છે.
તેમણે કહ્યું કે, માર્ગોનાં કામો ગુણવત્તાલક્ષી થાય એ માટે પણ અમારું તંત્ર પૂરેપૂરી ગુણવત્તાની ચકાસણી થાય છે. એ જ રીતે ટેન્ડરોની પ્રક્રિયા પણ પારદર્શિતાથી ઓનલાઇન કરવામાં આવે છે. આ વર્ષે રાજ્યમાં 125 ટકાથી વધુ વરસાદ થયો છે. જેના પરિણામે રાજ્યના રસ્તાઓને નુકસાન થયું છે. જેવો ઉઘાડ નીકળશે એટલે તાત્કાલિક જ રસ્તાના પેચવર્ક, ડામર કામ સહિતનાં કામો હાથ ધરવામાં આવશે અને જે વિસ્તારોમાં ઉઘાડ નીકળ્યો છે, ત્યાં તો કામો શરૂ પણ કરી દેવાયાં છે. એ જ રીતે રાષ્ટ્રીય ધોરીમાર્ગોને પણ નુકશાન થયું છે. તે કામોનો સરવેની કામગીરી કેન્દ્ર સરકારના સહયોગમાં રહીને પૂર્ણ થઈ છે અને આ કામો પણ સત્વરે શરૂ કરી દેવામાં આવે છે.