 |
પ્રતીકાત્મક તસ્વીર
ગુજરાત : રાજ્યમાં કોરોના સક્ર્મણની મહામારીને પગલે હાલ શાળાઓ બંધ છે. શાળાઓ હવે ક્યારે શરૂ થશે તેની કોઈ નિશ્ચિત સમય નથી. આવી પરિસ્થિતિમાં ચાલુ વર્ષના અભ્યાસના અંદાજિત 100 દિવસ બગડી શકે છે, શિક્ષણના 211 દિવસમાંથી 120 દિવસ જ અભ્યાસ થઈ શકે છે. અને દિવાળી પછી પણ શાળાઓ શરૂ ના થાય તો અભ્યાસના વધારે દિવસો બગડશે, તેથી ઝીરો વર્ષ જાહેર કરીને આગામી વર્ષે ધો. 1થી 8માં માસ પ્રમોશન આપવાની ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે માગણી કરી છે. |
માર્ચ મહિનાથી ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવે છે, પરંતુ 60% વિદ્યાર્થીઓ તો ઓનલાઇનમાં અભ્યાસ કરી શકતા નથી, તો 40% બાળકો ઓનલાઇન ભણે છે. જો શાળાઓ દિવાળી સુધી બંધ રહે તો વિદ્યાર્થીઓના અભ્યાસના 100થી વધુ દિવસ બગડશે અને અભ્યાસ માટે માત્ર 120 દિવસ જ મળશે. આટલા દિવસમાં સંપૂર્ણ કોર્સ પૂરો કરી શકાય તેમ નથી. આ સ્થિતિમાં ગુજરાત શિક્ષણ બોર્ડ પણ અભ્યાસક્રમમાં 50 ટકાથી વધુ કાપ મૂકવાની તૈયારીમાં લાગ્યું છે. પરંતુ જો શાળાઓ દિવાળી પછી શરૂ થાય એવી સ્થિતિ સર્જાય તો અભ્યાસક્રમ નક્કી કરવો મુશ્કેલ બની શકે છે.
ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે કોરોનાની વર્તમાન સ્થિતિને જોતાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માગણી કરી છે, જયારે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓની 3 જ વિષયની પરીક્ષા લેવાની માગ કરી છે અને ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવાની હોય તો વાલીઓને ઝડપથી જાણ કરવામાં આવે. હાઈકોર્ટના હુકમના અનુરોધમાં વાલીમંડળની એવી પણ માગ છે કે સ્કૂલો જ્યારથી બંધ છે અને જ્યારે ચાલુ થશે એ દરમિયાનની ટ્યૂશન ફીમાં સંપૂર્ણ માફી આપવી જોઈએ.