સુરતના ONGC ગેસ ટર્મિનલમાં 3 ધડાકા સાથે વિસ્ફોટ અને આગ, 3 વ્યક્તિ લાપતા


સુરત : સુરતના હજીરા વિસ્તારમાં આવેલી ONGC કંપનીના પ્લાન્ટના ગેસ ટર્મિનલમાં વહેલી સવારે 3 વાગ્યાને 15 મિનિટ આસપાસ ત્રણ ધડાકા સાથે વિસ્ફોટ અને આગ લાગી હતી. ગેસ ટર્મિનલમાંથી દૂર દૂરથી આગની જ્વાળાઓ આકાશમાં જોઈ શકાય છે. ઘટનામાં જાનહાનિની આશંકા સેવાઈ રહી છે.
આ ઘટનાની ખબર પડતા ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં કામે લાગી ગયો છે. ONGC કંપનીના ગેસ ટર્મિનલના ગેસ પ્લાન્ટમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે 10 કિલોમીટર દૂર સુધી લોકોને દેખાઈ હતી. આ ઘટનાને પગલે હજીરાના ONGCના અન્ય 24 પ્લાન્ટ બંધ કરાયા હોવાની પણ માહિતી સામે આવી રહી છે. હાલ પ્લાન્ટ તરફ જતા તમામ રસ્તા બંધ કરાયા છે.
સુરતના જીલ્લા કલેકટર ધવલ પટેલે જણાવ્યું હતું કે, ગેસને ડી-પ્રેસરાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મુંબઈથી આવતી લાઈનમાં ભીષણ બ્લાસ્ટ થયો હતો. આગની ઘટના બાદ સુરત મહાનગર પાલિકાનું ફાયર વિભાગ અને મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પહેલા કરતાં આગ સંપૂર્ણ રીતે કાબુમાં આવી ગઈ છે. પ્લાન્ટની અંદર આવેલ ગેસ ટર્મિનલ વિભાગમાં આગ લાગી હતી. ત્રણ ધડાકા થયા હતા. આ ઘટના ખૂબ જ ગંભીર હતી. ઓન સાઈડ ઇમજન્સી હોવાથી આસપાસની અન્ય ઇન્ડસ્ટ્રીને કોઈ નુકશાન થયું ન હોવાનું જણાવ્યું છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ધમાકાના કારણે દૂર સુધી કંપન લોકોને અનુભવાયું હતું. ઘટના પર સંપૂર્ણ કાબુ મેળવ્યા બાદ ઘટના સ્થળે ઇન્સ્પેકશન કરવામાં આવશે. આ ઘટનામાં 1 સિક્યોરિટી ગાર્ડ અને 2 કામદારો ગુમ થયા છે, તેમની હાલ શોધખોળ ચાલું છે.