![]() |
પ્રતીકાત્મક તસ્વીર |
ગુજરાત : હવે ખરેખર સ્પષ્ટ થઈ ગયું કે આ વર્ષે ગુજરાતમાં ગરબા નહીં થાય. શનિવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, આ વર્ષે નવરાત્રિ 17થી 25 ઓક્ટોબર દરમિયાન છે. આ વૈશ્વિક કોરોના મહામારીના કારણે અમારી સરકારે આ વર્ષે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં થતા રાજ્યકક્ષાનો વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ નહીં યોજવાનો નિર્ણય કર્યો છે. કોરોનાના કાળમાં નાગરિકોની સલામતી આપણા સૌની સૌથી મોટી પ્રાથમિકતા છે. વિશાળ જનહિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, શેરી ગરબાને લઈને હજુ સુધી સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી. પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને નિશ્ચિત સંખ્યા સાથે સરકાર શેરીઓમાં ગરબાની મંજૂરી આપી શકે છે.
સરકારે વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ રદ કરીને પ્રજાને સંકેત આપી દીધો કે જાહેર કે ખાનગી પાર્ટી પ્લોટમાં યોજાતી નવરાત્રિ કરવાની મંજૂરી પણ નહીં મળે. કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ સપ્ટેમ્બર મહિનામાં જ જાહેર કરાયેલી SOP માં સ્પષ્ટ લખ્યું છે કે, ઉત્સવોની ઉજવણી પર પ્રતિબંધ. અને નવરાત્રિ એક ઉત્સવ છે એટલે રાજય સરકારે આ માટે કોઇ અલગથી જાહેરાત કરવાની જરૂર નથી તેવું ટોચના સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. બીજી બાજુ શેરી ગરબા માટે સરકારમાં પણ બે મત છે, કેટલાક મંત્રીઓનું એવું કહેવું છે કે, શેરી ગરબામાં છૂટ આપવી જોઇએ,પણ શેરી ગરબા પર નિયંત્રણ રહેશે કે કેમ તે પ્રશ્ન હોવાથી શેરી ગરબામાં કઇ રીતે છૂટ આપવી તે પ્રશ્ન છે. વળી, ગરબે ઘૂમતા ખેલૈયાઓ સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરી શકે જ નહીં તે વાસ્તવિકતાથી પણ સરકાર વાકેફ છે એટલે શેરી ગરબામાં પણ છૂટ આપવામાં બે મત પ્રવર્તે છે.
સમગ્ર ગુજરાતમાં જેની નામના છે એવી ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રી યોજાશે નહીં. કોરોનાનું સંક્રમણ હજુ યથાવત છે, આવનારા સમયમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું ચૂસ્ત પાલન અનિવાર્યપણે કરવાનું છે. આવા સંજોગોમાં નાગરિકોની સલામતી એ આપણી પ્રાથમિકતા છે અને એટલે ગાંધીનગર કલ્ચરલ ફોરમે આ વર્ષે નવરાત્રી મહોત્સવ નહીં યોજવાનો નિર્ણય લીધો છે. અને રાજકોટમાં કોરોના સંક્રમણ વધવાના કારણે તાજેતરમાં જ શહેરના બે અર્વાચીન રાસ ગરબા સંચાલકોએ આ વર્ષે આયોજન રદ કરવાની જાહેરાત કરી છે. રાજકોટ મોટા ગણાતા સહિયર અને સરગમ ગ્રુપના સંચાલકો દ્વારા નવરાત્રિ રદની જાહેરાત કરી છે.