સુરત : સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં ગજ્જર કમ્પાઉન્ડમાં આવેલા એક હીરાના કારખાનામાંથી રૂપિયા 15 લાખનાં હીરાની ચોરી થઇ હતી. રફ હીરાની ચોરી થતા વેપારીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસ કામ પર લાગી હતી. સીસીટીવીમાં જોતા તમામ ચોર માસ્ક પહેરીને આવ્યા હતા જેથી તેમની ઓળખવા શક્ય ન હોતા. આ અને દરવાજા અને તિજોરી ચાવી દ્વારા જ ખોલવામાં આવ્યા હતા તેથી પોલીસ પણ વિચારમાં પડી હતી.
પ્રાથમિક તપાસમાં લાગ્યું કે, ચોર કોઇ જાણ ભેદું જ છે. તેથી મેનેજરથી માંડીને તમામની પુછપરછ કરી હતી. અને તે પછી 3 લોકોની ધરપકડ કરી હતી. જેમાં કંપનીના મેનેજરની ભુમિકા બહાર આવતા સમગ્ર ભેદ ઉકેલાયો હતો. મેનેજર ભુપેન્દ્ર રાજપુતની ધરપકડ કરી છે. તેની પાસેથી 498.04 કેરેટનાં અંદાજે 15 લાખનાં હીરા પણ ઝડપી લીધા છે. તેના મળતીયા જીગર સોની અને જીગ્નેશ વ્યાસની ધરપકડ કરી છે. અને ભુપેન્દ્ર રાજપુત 15 વર્ષથી આ કારખાનામાં કામ કરતો હતો. રવિવારે રજા હોવાથી 2 કારીગરો સિવાય કારખાનામાં કોઇ નહોતું. બંન્ને કારીગરો ગયા બાદ મેનેજરે જ પોતાનાં મળતીયાઓ દ્વારા હીરાની ચોરી કરાવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.