પતિ અને પત્ની બન્ને નકલી પોલીસ બનીને લૂંટ ચલાવતી લૂંટારી ગેંગ ઝડપાઇ

અમદાવાદ : શહેરમાં રામોલ પોલીસે આજે એક મહિલા સહિત 7 સભ્યોની ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગનું કામ નાનું મોટું નહીં પણ આખું સુયોજિત છે. અને નકલી અધિકારી બનીને લોકોની વસ્તુઓ પડાવી લેવાનું કામ આ ગેંગ કામ કરતી હતી. અમદાવાદ શહેરમાં આવી એક ગેંગ પકડાઈ છે, જેના નામે એક - બે નહી પરંતુ 35 લોકોને આવી રીતે લૂંટ્યા હોવાનો ખુલાસો થયો છે અને તેની રકમ 1 કરોડ 30 લાખ થાય છે. અને રામોલ પોલીસે આ ઘાડ પાડતી ગેંગના સભ્યો પાસેથી જુદીજુદી કંપનીના 12 મોબાઈલ, કિંમત રૂ. 64 હજાર, બે એર ગન, બનાવટી ઓળખકાર્ડ તેમજ નકલી ચલણી નોટો તથા વિવિધ વસ્તુઓ તેમજ રોકડ રૂ. 16860 અને ફોર વ્હિલ ગાડી મળીને કુલ રૂ. 691810નો મુદ્દામાલ કબ્જો કર્યો છે.

આ ગેંગનો મુખ્ય સૂત્રધાર કિરીટ અમીન (ઉ. વ. 31, રહે. રામોલ) મૂળ અરવલ્લીના વાત્રક ગામનો છે અને તેની પત્ની ભાવના (ઉ વ. 31) છે. કિરીટ પહેલા મામલતદાર કચેરીમાં નોકરી કરતો હતો પણ ત્યાંથી નોકરી છોડીને તેણે અધિકારી બનવાના સપના જોવાના શરૂ કર્યા અને પોતે કોમ્પેટિટીવ પરીક્ષાની તૈયારી શરૂ પણ કરી હતી. ત્યાં સુધી તે પહોંચી શક્યો ન હતો. આખરે તેણે લોકોને લૂંટવા માટે પ્લાન ઘડી લીધો અને તેમાં તેનો સાથ તેની પત્નીએ આપ્યો હતો.

આ કામ માટે પતિ-પત્નીએ રાજ્યના અલગ અલગ શહેરમાં એજન્ટો નીમ્યા અને બોગસ પોલીસ અધિકારી બનીને લોકોને લૂંટવા માટે પોલીસ યુનિફોર્મ, નકલી આઇ કાર્ડ, રિવોલ્વર, નકલી રૂપિયા અને બીજી તમામ બાબતો પહેલાંથી પ્લાન કરીને પતિ, પત્ની અને તેની ગેંગ મળીને રાજ્ય ભરમાંથી કરોડો રૂપિયા લૂંટી લીધા છે. હવે આ ગેંગના એજન્ટો પકડાય બાદમાં જ સમગ્ર રેકેટમાં હજુ કેટલી રકમ છે તે જાણી શકાશે.