RTE ના પ્રવેશ માટેના ફોર્મ ભરવાની મુદ્દત લંબાવાશે નહી, પ્રથમ રાઉન્ડ 11 સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવશે

રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે શિક્ષણકાર્ય ઉપર અસર પડવાની શક્યતા હોવાથી મુદતમાં વધારો કરવામાં આવશે નહીં. ખાનગી શાળાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.
જો આરટીઇ પ્રવેશ માટે ઓનલાઇન અરજી કરવાની મુદત લંબાવવામાં અથવા રદ કરેલા ફોર્મ સુધારાવાની મુદત આપવામાં આવે તો આરટીઇ હેઠળ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ સમયસર જારી કરી શકાશે નહીં. જેથી વિદ્યાર્થીઓમાં શિક્ષણ પર અસર પડવાની સંભાવના રહે છે.

શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે શૈક્ષણિક વર્ષ 2020-21મા આરટીઈ પ્રવેશ માટે 7 ઓગસ્ટના રોજ સામાયિક પત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. ફોર્મ ભરવા માટે જરૂરી પુરાવા ભેગા કરી શકે તે માટે 7 થી 18 ઓગસ્ટ સુધી એમ કુલ 11 દિવસનો સમય વાલીઓને આપવામાં આવ્યો હતો. એ પછી ઓનલાઈન ફોર્મ ભરવા માટે 19 થી 29 ઓગસ્ટ સુધી એમ કુલ 10 દિવસનો સમય અરજદારોને આપવામાં આવ્યો હતો. આમ જરૂરી પુરાવા ભેગા કરી ફોર્મ ભરવા માટે કુલ 23 દિવસ જેટલો સમય આપવામાં આવ્યો હતો.

શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે આ સમય દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાની વેબસાઈટ પર વાલીઓ દ્વારા કુલ 2,04,420 જેટલી અરજીઓ કરવામાં આવી છે. જિલ્લા કક્ષાએથી 1,19,697 આ અરજીઓને મંજુરી આપવામાં આવી. અને 24,045 અરજીને રદ્દ કરવામાં આવી છે. 41,788 અરજીઓ વાલીઓ દ્વારા રદ કરવામાં આવી છે.

જ્યારે 18,890 અરજીઓની ચકાસણી પ્રક્રિયા હાલમાં ચાલુ છે. ચકાસણીની કામગીરી 7 સપ્ટેમ્બર સુધી કરવામાં આવશે અને પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ 11 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.