ન્યુ દિલ્હી : દેશમાં મોટાભાગના દરેક લોકો કાર અથવા બાઇક ચલાવતા હોય છે. અને ટ્રાફિક પોલીસ પકડે તે સમયે અમુક લોકો નકલી દસ્તાવેજ દેખાડીને ટ્રાફિક પોલીસથી બચી શકાય છે. એ વાત પણ સાચી છે કારણ કે રાજ્યોમાં ટ્રાફિક પોલીસની પાસે દસ્તાવેજોની તાત્કાલિક ચકાસણી કરવાની સુવિધા હોતી નથી. પરંતુ હવે એવું નહીં થાય. કેમકે હવે ટ્રાફિક પોલીસ અધિકારીઓની પાસે તમારા દરેક ડોક્યુમેન્ટ પહેલેથી જ હાજર હશે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એક્ટ 1989માં સુધારો કર્યો છે. મોટર વાહન નિયમ 1989માં કરાયેલા વિભિન્ન સંશોધનો અંગે નોટિફિકેશન રજૂ કર્યું છે જેમાં મોટર વાહન નિયમોની વધુ સારી દેખરેખ અને અમલવારી માટે 1 ઓક્ટોબર 2020થી પોર્ટલના માધ્યમથી વાહન સંબંધિત દસ્તાવેજો સહિત ઇ-ચાલાન જાળવણી કરી શકાશે. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વાહનના દસ્તાવેજોના નિરીક્ષણ દરમ્યાન ઇલેક્ટ્રોનિક માધ્યમથી માન્યતા પ્રાપ્ત વાહનોના દસ્તાવેજોની જગ્યાએ ભૌતિક દસ્તાવેજોની માંગણી કરવામાં આવશે નહીં.
નિષ્ણાતો કહે છે કે તમારા ડ્રાઇવિંગ લાઇસન્સને લગતી તમામ માહિતી ટ્રાફિક પોલીસ અધિકારીઓ પાસે ઉપલબ્ધ હશે. તેની સાથે જ સરકારે કહ્યું હતું કે લાઇસન્સિંગ ઓથોરિટી દ્વારા ડ્રાઇવિંગ લાઇસન્સને ગેરલાયક ઠરાવવામાં આવશે અથવા રદ કરવામાં આવ્યા હોવાની વિગતો પોર્ટલ પર રેકોર્ડ કરવામાં આવશે અને તે સમય સમય પર અપડેટ કરવામાં આવશે.