અમદાવાદ : અમદાવાદ સુભાષબ્રિજ પાસે આવેલી RTO કચેરીમાં લોકડાઉન પહેલા અને પછી RTO કે ARTO અધિકારીની મંજૂરી વગર વાહનોની ફાઈલો મંજૂર કરી નોન ટ્રાન્સપોર્ટ શાખાનો હેડ ક્લાર્ક અશોક ચાવડાએ એજન્ટ સાથે મળી કૌભાંડ આચરતો હોવાનો ઘટસ્ફોટ RTO અધિકારી વિનીતા યાદવે કર્યો છે. આ મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં અધિકારી વિનીતા યાદવે હેડ ક્લાર્ક અશોક ચાવડા અને એજન્ટ નરેન્દ્ર ગોસ્વામી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
સુભાષબ્રિજ RTOમાં નોન ટ્રાન્સપોર્ટ શાખામાં મહિલા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી તરીકે વિનીતા હેમરાજ યાદવ ફરજ બજાવે છે. નોન ટ્રાન્સપોર્ટ શાખામાં હેડ કલાર્ક અશોક ચાવડા અને અન્ય 5 કર્મચારી ફરજ બજાવે છે. હેડ ક્લાર્કએ વાહનોના કાગળો ચકાસી પોતાની સહી કરી વિનીતા યાદવ પાસે કાગળો મંજૂરી માટે મોકલવાના હોય છે. પરંતુ અરજદારો તરફથી વિનીતા યાદવને બે માસ અગાઉ રજૂઆત મળી હતી કે નોન ટ્રાન્સપોર્ટ શાખામાં કાગળો જમા કરાવવા છતાં પણ ગુમ થઈ જાય છે. જેના કારણે વિનીતા યાદવે વાહનોના કાગળો પોતાની કસ્ટડીમાં લઈ તપાસ કરતા આ મોટું કૌભાંડ બહાર આવ્યું હતું.
અશોક ચાવડા દ્વારા નરેન્દ્ર ગોસ્વામી સહિતના મળતિયા એજન્ટો સાથે મળી 1352 વાહનોમાં એપ્રૂવલ આપવામાં આવ્યું હતું. જેમાં 262 વાહનોમાં ઓનલાઇન એપ્રૂવલ અને બે વાહનમાં અશોક ચાવડાએ પોતાની સહી કરી મંજૂરી આપી છે. આ રીતે રાજ્ય સરકારને રૂ.83630નું નુકસાન કર્યું હતું. આ મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં અધિકારી વિનીતા યાદવે હેડ ક્લાર્ક અશોક ચાવડા અને એજન્ટ નરેન્દ્ર ગોસ્વામી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. અને રાણીપ પોલીસે આરોપી હેડ કલાર્ક અશોક.જી.ચાવડા અને એજન્ટ નરેન્દ્ર ગોસ્વામી વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.