અમદાવાદ : ગુજરાતની એક માત્ર એવી તમિલ શાળા અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી છે જે ગુજરાતનું ગૌરવ હોવાનું દેશના વડાપ્રધાન જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તમિલનાડુમાં કહ્યું હતું. એજ શાળા વિજય રૂપાણીની સરકારે બંધ કરીને વડાપ્રધાનનું ઘોર અપમાન કર્યું હોવાનું ઓલ ગુજરાત સ્ટુડન્ટ ફેડરેશને જણાવ્યું છે. તમિલનાડુના મુખ્યમંત્રીએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને શાળા ચાલુ રાખવા વિનંતી કરી છે. તેના માટેનો ખર્ચ ભોગવવાની પણ તૈયારી તમિલનાડુના મુખ્યમંત્રીએ બતાવી છે. આવા સમયે ગુજરાત સરકારે પોતાની આબરુના ઘજાગરા કરવાના બદલે ગુજરાત સરકાર શાળા ચલાવશે તેવી વહેલી તકે જાહેરાત કરવી જોઇએ તેવી સંસ્થાએ વિનંતી કરી છે.
ઓલ ગુજરાત સ્ટુડન્ટસ ફેડરેશનના પ્રમુખ જયોર્જ ડાયસ તથા કાલીઅપ્પન મુદલિયારે જણાવ્યું છે કે, ગુજરાતની તમિલ ભાષાના પરપ્રાંતીય મજૂરોને એકમાત્ર શાળા ગુજરાત સરકારે બંધ કરી દીધી છે. તેનો પડઘો તમિલનાડુ સુધી પડયો અને તમિલનાડુ સરકારે પોતાની સાંસ્કુત્તિક ધરોહરને ગુજરાતમાં જીવિત રાખવા આ શાળાનો તમામ ખર્ચ તમિલનાડુ સરકાર આપશે તેવી કરેલી જાહેરાત ગુજરાત સરકાર માટે ભારે શરમજનક છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, દેશના વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મણિનગર વિધાનસભા મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા હતા. ત્યારે નરેન્દ્રભાઇએ તમિલનાડુમાં જઇને એવી જોરશોરથી જાહેરાત કરતા હતા કે, મારા મત વિસ્તારમાં એકમાત્ર તમિલ ભાષામાં શિક્ષણ આપતી એકમાત્ર શાળા એ ગુજરાતનું ગૌરવ છે. પણ રૂપાણી સરકારે આ શાળા બંધ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ ઘોર અપમાન કર્યું છે.








