ન્યુ દિલ્હી : રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 અંતર્ગત આગામી વર્ષથી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં સ્નાતકમાં પ્રવેશ માટે કોમ્પ્યુટર આધારિત પ્રવેશ પરીક્ષા કરાવવાની તૈયારી શરૂ થઇ ગઇ છે. દેશભરમાં તમામ યુનિવર્સિટીઓમાં સ્નાતક અભ્યાસક્રમમાં 2021થી એક જ સંયુક્ત પ્રવેશ પરીક્ષા (universities same entrance test) દ્વારા પ્રવેશ થશે. આ એક જ પ્રવેશ પરીક્ષાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત મળશે. જેના કારણે ડીયૂ જેવી યુનિવર્સિટીઓમાં સો ટકા કટઑફ અને અલગ-અલગ અરજી તથા પ્રવેશ પરીક્ષામાં પણ રાહત મળશે. હવે એક જ અરજી પર તમામ યુનિવર્સીટીઓના પ્રવેશ, ડિગ્રી પ્રોગ્રામ, ફી, સીટ વગેરેની જાણકારી મળશે.
એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે કે, પ્રવેશ પરીક્ષા કરાવવાની જવાબદારી રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA) ને આપવામાં આવી છે. પ્રવેશ પરીક્ષાની યોજના બનાવવામાં યુનિવર્સિટીઓનો અભિપ્રાય પણ લેવામાં આવશે. નવી નીતિમાં ઉચ્ચ શિક્ષામાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. UGC, AICTE, NCTE ને બદલે ઉચ્ચ શિક્ષા માટે સમગ્ર દેશમાં એક જ નિયમનકાર હશે.
આ અંતર્ગત સામાન્ય ડિગ્રી માટે પણ એક જ પરીક્ષા હશે. અને બીજું વિજ્ઞાન, માનવતા, ભાષા, કલા અને વ્યાવસાયિક અભ્યાસક્રમો પર આધારિત વિષયોમાં પ્રવેશ માટે કૉમન એપ્ટીટ્યુડ ટેસ્ટ થશે. આ પ્રવેશ પરીક્ષા વર્ષમાં એક અથવા તો બે વાર થશે. સામાન્ય યુનિવર્સિટીઓ અને તમામ ટેક્નિકીના અભ્યાસક્રમ અને પ્રોગ્રામની સમીક્ષા થશે. નવા વિષયો અંતર્ગત પ્રવેશ પરીક્ષાની રૂપરેખા પણ નક્કી કરાશે. જેમાં ત્રણ અને ચાર વર્ષની ડિગ્રીવાળા પ્રોગ્રામ હશે. આ અંતર્ગત વિશેષ વિષયો માટે અલગ પ્રવેશ પરીક્ષા હશે.