સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, 3000 લોકો રોડ પર એકત્રિત થયા

વડોદરા : રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતું જાય છે. કોરોનાના સંક્રમણથી બચવા લોકોએ સરકારની ગાઇડલાઇન અનુસાર માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ ખાસ જરૂરી છે. કોરોનાથી બચવા માટે હવે નાનકડા બાળકો પણ સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કનાં નિયમોનું પાલન કરતા થઈ ગયા છે. પરંતુ ઘણા લોકો હજી પણ એવા છે કે તેમને પોતાના અને બીજાના જીવની પડી નથી.વડોદરામાં આવેલા ખોડિયાર નગરમાં લગભગ 3000 લોકો ભેગા થયા હતા અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા.

વડોદરાના ખોડિયારનગર વિસ્તારમાં દેવી પૂજક સમાજનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આજે સવારે અંદાજિત 3000 લોકો એકઠાં થયા હતાં. જેમાં કોઈ પણ પરવાનગી વગર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેના અનુસંધાને પોલીસ દોડતી થઈ ગઇ હતી. અને કોરોના ગાઇડલાઇનનો ભંગ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર એ પણ જાણવા મળ્યું કે, એક વ્યક્તિ ધૂનતો હોવાથી તેને માતા આવી હોવાનું સમજીને લોકો અહીં ભેગા થયા હતાં. અને બીજી ચોંકાવનારી માહિતી એ પણ સામે આવી કે, આ 3000 લોકોનું ટોળું વડોદરાથી પગપાળા મહેસાણા જવાનું હતું. અને જો આ કાર્યક્રમ રોકવામાં ન આવ્યો હોત તો કદાચ કોરોનાનું  સંક્રમણ છેક મહેસાણા સુધી ફેલાઇ શક્યું હોત. જો કે આ ઘટનાને પગલે વારસિયા પોલીસે ઘટના સ્થળે જઇને હજારોના ટોળાંને દૂર કર્યું હતું. આ મામલે પોલીસે કાર્યક્રમનું આયોજન કરનાર વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો  છે. 6 વ્યક્તિઓ વિરૂદ્ધ જાહેરનામાનાં ભંગની ફરિયાદ પણ કરવામાં આવી છે. એપેડેમિક ડિસીઝ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.