અમદાવાદ : અમદાવાદ શહેરમાં Anti Corruption Bureau (એન્ટી કરપ્શન બ્યૂરો)એ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસકર્મીઓને લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા છે. આજે વહેલી સવારે Anti Corruption Bureauને ફરિયાદી તરફથી લાંચ અંગે માહિતી મળતાં ટ્રેપ ગોઠવવામાં આવી હતી. PCR (Police Control Room)માં ફરજ બજાવતા ત્રણેય પોલીસકર્મીઓને અમદાવાદ ACBની ટીમે લાંચ લેતા ઝડપી લીધા બાદ ACB કચેરી લઈ જવામાં આવ્યા હતા. આ આરોપી પોલીસકર્મીઓ શાકભાજીના વેપારી પાસેથી છોટા હાથી વાહન ઉભું રાખવા અને ટમેટાનું વેચાણ કરવા દેવા માટે તેઓ પાસેથી ગેરકાયદે રીતે રૂ.100ની લાંચની માંગણી કરતાં પકડાયા હતા. આ લાંચમાં ઝડપાયેલા ત્રણ આરોપી પોલીસકર્મીઓમાં પ્રભુદાસ નાનજીભાઇ ડામોર - પોલીસ કોન્સ્ટેબલ, ક્રિષ્ના અરવિંદભાઇ બારોટ - હેડ કોન્સ્ટેબલ, દિલીપચંદ્ર ગુલાબચંદ્ર બારોટ - કોન્સ્ટેબલ નો સમાવેશ થાય છે.
ACBને માહિતી મળી હતી કે શાકભાજીના છુટક ધંધો કરતા વેપારીઓ પાસેથી ગાયકવાડ હવેલી પોલીસ અવાર નવાર લાંચ લેવાતી હોવાની ચોક્કસ બાતમીના આધારે છટકું ગોઠવ્યું હતું. ફરિયાદી પોતાની ગાડીમાં ટમેટા ભરીને જગન્નાથ મંદિરના ગેટ નંબર-4 ની આગળ, દુકાન નંબર-48ની પાછળના ભાગે, શાક માર્કેટમાં વહેલી સવારે ઉભા રહીને ટમેટા વેચવા ફરિયાદી ની ટમેટા ભરેલી ગાડીને ઉભી રાખવા દેવા અને ટમેટાનું વેચાણ કરવા દેવા માટે ગાયકવાડ હવેલી PCRના પોલીસ કર્મચારીઓ દ્વારા ફરિયાદી પાસેથી દરરોજના રૂ.100 સુધીની ગેરકાયદે રીતે માંગણી કરાઈ હતી. ફરિયાદી મુજબ PCR વાન નંબર-40ના પોલીસના કર્મચારીઓ ફરિયાદી પાસેથી છોટા હાથી વાહન ઉભું રાખવા અને ટમેટાનું વેચાણ કરવા દેવા માટે તેઓ પાસેથી ગેરકાયદે રીતે રૂ.100ની લાંચની માંગણી કરતાં ACBએ ઝડપી લીધાં હતાં.