31 ઓક્ટોબર સુધીમાં વાલીઓ ફી ન ભરે તો 25% રાહત નહીં મળે, સ્કૂલ સંચાલકોએ ઓનલાઈન બેઠક યોજી ઠરાવ કર્યો


ગુજરાત : ગુજરાત સરકારે રાજ્યની તમામ ખાનગી સ્કૂલોને વાર્ષિક ફીમાં 25 %નો ઘટાડો કરવા બુધવારે આદેશ આપ્યો હતો. આ આદેશ પછી ખાનગી સ્કૂલ સંચાલક મંડળે ઓનલાઈન બેઠક યોજી ઠરાવ કર્યો હતો. અને 31 ઓક્ટોબર સુધીમાં ફી નહીં ભરનારા કે ગત વર્ષે ફી ન ભરી હોય તે વાલીઓને 25 ટકાની રાહત નહીં આપવાનો નિર્ણય કર્યો છે. અગ્રણી સ્કૂલોના અન્ય એક સંગઠન એસોસિએસન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલ એસોસિએશનના પ્રમુખ મનન ચોકસીએ કહ્યું, સરકાર ફી માફી અંગે જીઆર બહાર પાડે પછી તેનો અમલ કરીશું.

સ્કૂલ સંચાલકોના આવા મનસ્વી વલણ સામે ઓલ ગુજરાત વાલી મંડળ અને તેની સાથે સંકળાયેલા તમામ વાલીમંડળમાં ભારોભાર રોષ છે. બીજી તરફ ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે કહ્યું, આવી સ્થિતિમાં વાલીઓને સહકાર આપવાને બદલે સ્કૂલોએ તઘલખી વલણ અપનાવ્યું છે. સ્કૂલ સંચાલકોના નિર્ણયનો વિરોધ કરી સરકારમાં ફરીથી રજૂઆત કરવાની ચીમકી આપી છે.