UIDAI : PVC કાર્ડ બનાવવું ફરજિયાત નથી, આધાર કાર્ડના ત્રણેય ફોર્મેટ માન્ય રહેશે

ન્યુ દિલ્હી : આધાર કાર્ડ બનાવવા અને તે સંબંધિત માહિતી આપનારી સંસ્થા યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UADAI)એ સ્પષ્ટ કર્યું છે કે આધાર કાર્ડના તમામ 3 ફોર્મેટ માન્ય ગણાશે. UIDAI અનુસાર, સામાન્ય આધાર કાર્ડ, ઈ આધાર કાર્ડ અથવા PVC (પોલિવિનાઈલ ક્લોરાઈડ કાર્ડ) આધાર કાર્ડ માન્ય ગણાશે. નાગરિકોએ આધાર કાર્ડના એક ફોર્મેટને બીજામાં બદલવાની કોઈ જરૂરિયાત નથી.

હાલમાં આધાર કાર્ડ ત્રણ પ્રકારના ફોર્મેટમાં જોવા મળે છે જેમકે, આધાર લેટર, ઈ-આધાર અને PVC કાર્ડ. PVC કાર્ડને હાલમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. UIDAI અનુસાર, આધાર કાર્ડના ત્રણેય ફોર્મેટ માન્ય ગણાશે. નાગરિકો તેમની સુવિધા પ્રમાણે ફોર્મેટની પસંદગી કરી શકશે. તેથી કોઈ અફવા પર ધ્યાન ન આપો કે PVC (પોલિવિનાઈલ ક્લોરાઈડ કાર્ડ) અન્ય 2 ફોર્મેટના આધાર કાર્ડ કરતાં વધારે વેલિડ છે અથવા હવે ઈ-આધાર માન્ય નહિ ગણાય.

UIDAIએ હાલમાં PVC (પોલિવિનાઈલ ક્લોરાઈડ કાર્ડ) પર રીપ્રિન્ટ કરાવાની સુવિધા શરૂ કરી. આ કાર્ડ ATM અથવા ડેબિટ કાર્ડની જેમ સરળતાથી તમારા પોકેટમાં રાખી શકાશે. અને  જલ્દી ખરાબ પણ નહિ થાય. આ કાર્ડ બનાવવા માટે 50 રૂપિયા ચૂકવવા પડશે. UADAI દ્વારા ડિસેમ્બર 2019માં જાહેર કરાયેલા આંકડાઓ પ્રમાણે, દેશમાં રહેનારા 125 કરોડ નાગરિકોએ આધાર કાર્ડ બનાવ્યા છે. આધાર પ્રોજેક્ટને દેશમાં 2010માં લાગુ કરવામાં આવ્યો હતો.