ગુજરાતી ફિલ્મોનો સિતારો નરેશ કનોડિયા પંચમહાભૂતમાં વિલીન, વડાપ્રધાને આપી શ્રદ્ધાંજલિ

ગુજરાત : ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર રહી ચૂકેલા અને પૂર્વ ધારાસભ્ય એવા નરેશ કનોડિયા કોરોનાને કારણે સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. મોટાભાઈ મહેશ કનોડિયાના નિધનના ત્રીજા દિવસે નાનાભાઈ નરેશ કનોડિયાનું પણ મૃત્યુ થયું છે. નરેશ કનોડિયાનો પરિવાર તેમના પાર્થિવદેહને યુએન મહેતા હોસ્પિટલથી સીધા ગાંધીનગર સેક્ટર 30 ખાતે આવેલા સ્મશાનગૃહમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સુપરસ્ટાર નરેશ કનોડિયા પંચમહાભૂતમાં વિલીન થયા છે. 

ગાંધીનગર સ્મશાનગૃહમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં ત્યાંના સિક્યોરિટી ગાર્ડે તમામને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે વિનંતી કરી હતી. સ્મશાનગૃહમાં ચાહકો ચોધાર આંસુએ રડી રહ્યા છે, સાથે જ લોકોએ તેમના પાર્થિવદેહ પર પુષ્પવર્ષા પણ કરી હતી. સબવાહિનીનો દરવાજો ખૂલતાં જ મહિલાઓનું હૈયાફાટ રુદન શરૂ થઈ ગયું હતું.

વડાપ્રધાન નરેન્દ્રમોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શ્રદ્ધાંજલિ પાઠવી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મજગતના ખ્યાતનામ અભિનેતા નરેશ કનોડિયાના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રી જણાવ્યું હતું કે કે સ્વ. નરેશ કનોડિયાએ ગુજરાતી ચલચિત્રજગતમાં અભિનયના ઓજસ પાથરીને દસકાઓ સુધી લોકમાનસમાં એક આગવું સ્થાન મેળવેલું, તેમનું સ્મરણ કરતાં કહ્યું હતું કે તેમનું આ યોગદાન ગુજરાતી ચલચિત્રજગતમાં સદાકાળ અવિસ્મરણીય બની રહેશે. રૂપાણીએ દિવંગત આત્માની પરમશાંતિની પ્રાર્થના કરીને તેમના શોકાતુર પરિવારજનોને દિલસોજી પણ પાઠવી છે.