મહિલા વિરુદ્ધના ગુનામાં તાત્કાલિક કેસ કરી તપાસ બે મહિનામાં પૂરી થાય, બેજવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવા : ગૃહમંત્રાલયનો નિર્દેશ

પ્રતીકાત્મક તસ્વીર
નવી દિલ્હી : યુવતી અને મહિલાઓ સાથે થઇ રહેલી છેડતી અને બળાત્કારના વધી રહેલા ગુના કાબૂમાં રાખવા માટે કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે નવી એડવાઈઝરી જારી કરી છે. કેન્દ્રએ કહ્યું છે કે મોટા ભાગની પીડિતાઓએ પોલીસ મથકોના ધક્કા ખાવા પડે છે. આ પ્રકારના કેસમાં તાત્કાલિક કેસ દાખલ કરો અને તપાસ પણ ઝડપી કરો.

ગૃહમંત્રાલયે આઈપીસી અને સીઆરપીસીની જોગવાઈઓ ટાંકતા કહ્યું કે, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો તેનું પાલન સુનિશ્ચિત કરે. મહિલાઓ વિરુદ્ધના ગુનામાં ચૂક અને જરૂરી તપાસમાં લાપરવાઈ દાખવનારા અધિકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરો. દુષ્કર્મના કેસમાં પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ બ્યૂરોએ સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસેસ એટલે કે એસઓપી પણ જારી કરી છે. હાથરસની ઘટના પછી રાજસ્થાનમાં પણ અને ગુજરાતમાં પણ જામનગર સહિત ચાર ઠેકાણે આ પ્રકારની ઘટના બની હતી. નિર્ભયાની ઘટના પછી લોકોમાં ઘણો આક્રોશ છે. પરિણામે સરકારને આ પ્રકારની એડવાઈઝરી જાહેર કરવાની ફરજ પડી છે.

દુષ્કર્મને લગતા કેસની તપાસની નવી એડવાઈઝરી

  • દેખીતા ગુનાની સ્થિતિમાં એફઆઈઆર ફરજિયાત છે. કાયદામાં ઝીરો એફઆઈઆરની (ગુનો પોલીસ મથકની હદ બહાર થયો હોય) પણ જોગવાઈ છે.
  • FIR ના નોંધે તો અધિકારી સામે પણ સજા.
  • દુષ્કર્મ/યૌન શોષણના કેસમાં સૂચના મળતાં જ 24 કલાકમાં પીડિતાની સંમતિથી એક રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર મેડિકલ તપાસ કરશે.
  • ઈન્ડિયન એવિડન્સ એક્ટની કલમ 32 (1) હેઠળ, મૃત વ્યક્તિનું નિવેદન તપાસમાં મહત્ત્વનો પુરાવો ગણાશે.
  • દુષ્કર્મ સાથે જોડાયેલા કેસની તપાસ બે મહિનામાં પૂરી થાય. આ માટે ગૃહમંત્રાલયે એક પોર્ટલ બનાવ્યું છે, જ્યાંથી વિવિધ કેસનું મોનિટરિંગ થઈ શકે છે.