અમદાવાદના યુવકે મર્સિડીઝથી લારીને ટક્કર મારી અને બે લોકોના મોત


ચિલોડા : ચિલોડાથી હિંમતનગર તરફ જતા હાઇવે પર ગિયોડ અંબાજી મંદિર પાસે બોપલમાં રહેતા મર્સિડીઝ કારચાલકે એક લારી અને એક બાઇકચાલકને ટક્કર મારતાં અકસ્માત થયો હતો અને બે લોકોના મોત થયા. આરોપી બોપલ વિસ્તારમાં રહેતો જિનેશ મુકેશભાઈ ટોડિયા (જૈન, 28 વર્ષ,ઈસ્કોન પ્લેટિનમ) હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની ઘટનાને પગલે હાલ તો ચિલોડા પોલીસે તેની અટકાયત કરીને તેનો કોરોના ટેસ્ટ કરાવવાની પ્રક્રિયા હાથ ધરી છે, સાથેસાથે તે ખરેખર દારૂ પીને કાર ચલાવતો હતો કે નહીં એની તપાસ માટે બ્લડ સેમ્પલ લેવામાં પણ આવ્યું છે.

સોમવારે રાત્રે 9 વાગ્યાની એક નંબર વગરની મર્સિડીઝ કાર ગિયોડ અંબાજી મંદિર પાસે ઊભેલી પૂજાપાની લારી સાથે અથડાઈ હતી. ત્યાર બાદ કાર બાઇક તરફ ધસી ગઈ ટક્કર મારી હતી. બાઇક અને કાર બંને ડિવાઇડરમાં ઘૂસી જતાં એક વ્યકિતનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે બીજી વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં કારચાલક યુવકે મંદિર પાસે લારીને ટક્કર મારતાં એરબેગ ખૂલી ગઈ હતી, જેથી આગળ ન દેખાતાં બાઇકને ટક્કર મારી હોવાનું જાણવા મળ્યું હતું.