હાથરસ જિલ્લામાં વધુ એક 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ


ઉત્તરપ્રદેશ: ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લામાં વધુ એક દીકરી સાથે દુષ્કર્મ થયા બાદ મોત નીપજ્યું છે. 20 દિવસ પહેલાં અલીગઢના ઈગ્લાસ પોલીસ સ્ટેશનની હદમાં સાદાબાદ ક્ષેત્રના મઈ જટોઈ ગામની 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયું હતું. આરોપ પીડિતાના માસીના દીકરા પર લાગ્યો છે. 17 સપ્ટેમ્બરે બાળકીની સાથે માસીના દીકરાએ દુષ્કર્મ કર્યું હતું. 21 સપ્ટેમ્બરે આરોપી વિરુદ્ધ ઈગ્લાસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી. 24 સપ્ટેમ્બરે સગીર વયના આરોપીની ધરપકડ કરવામાં આવી. સગીરની ધરપકડ બાદ તેને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કરાયો, જ્યાં બાલ કલ્યાણ સમિતિના આદેશ પર આરોપીને મથુરા બાલ સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યો. પીડિતાને સારવાર માટે દિલ્હીની એઈમ્સમાં મોકલવામાં આવી હતી, જયારે સોમવારે તેનું મોત નીપજ્યું છે.

આ ઘટનાથી નારાજ પરિવારના લોકોએ હાથરસમાં બલદેવ રોડ પર મૃતદેહ રાખીને પ્રદર્શન કર્યું. જોકે પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ પરિવારના લોકો અંતિમ સંસ્કાર માટે તૈયાર થઈ ગયા હતા. ગામમાં તણાવ જેવી પરિસ્થિતિ જોવા મળતાં પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી છે. પોલીસ વિભાગના મોટા અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અલીગઢના એસએસપી મુનિરાજે બાળકીની સાથે રેપની ઘટનામાં ઉદાસિનતા દાખવવાના આરોપમાં ઈગ્લાસ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જને સસ્પેન્ડ કરી દીધા છે. એસએસપીને ખાતાકીય તપાસના પણ આદેશ આપ્યા છે. તંત્રએ માસૂમ બાળકીના પરિવારને 5 લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.