કોરોના માટેના રેપિડ એન્ટિજન ટેસ્ટ 50% રિપોર્ટ ખોટા હોવાની શક્યતા

પ્રતીકાત્મક તસ્વીર
અમદાવાદ : રાજ્યભરમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા ધીમે ધીમે ઓછી થઇ રહી છે. તેની સામે કોરોના માટેના રેપિડ એન્ટિજન ટેસ્ટની વિશ્વસનીયતા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.

રેપિડ એન્ટિજન ટેસ્ટ કોમ્યુનિટી લેવલે સ્ક્રીનિંગ માટેનો ટેસ્ટ છે, જે તે દર્દી પોઝિટિવ આવે તો તે દર્દી પોઝિટિવ જ કહેવાય. જો દર્દીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવે અને કોરોનાના કોઈ જ લક્ષણો ન હોય તો તે નેગેટિવ જ કહેવાય, તેમાં ચિંતા કરવા જેવું નથી, તે વ્યક્તિ સામાન્ય વ્યક્તિની જેમ જ રહી શકે છે. જો કોઈ વ્યક્તિનો રેપિડ એન્ટિજન ટેસ્ટ નેગેટિવ આવ્યો હોય, પરંતુ તેને કોરોનાના લક્ષણો-ચિહનો હોય તો આરટીપીસીઆર ટેસ્ટ અવશ્ય કરાવવો જોઈએ. 50% રેપિડ એન્ટિજન ટેસ્ટ રિપોર્ટ ખોટા હોવાની શક્યતા છે. 

ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જ અમદાવાદમાં રેપિડ ટેસ્ટની પોલ ખુલી હતી, જેમાં નારોલમાં રહેતાં એક પિતા-પુત્રે નારોલ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે મ્યુનિ.એ બનાવેલા ડોમમાં ટેસ્ટ કરાવ્યો હતો, ત્યાં પિતા-પુત્રનો કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. અને 15 મિનિટ પછી ઈસનપુર ખાતેના મ્યુનિ. ડોમમાં ટેસ્ટ કરાવ્યો તેમાં બંનેના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ ટેસ્ટના રિપોર્ટ સોશિયલ મીડિયામાં ફરતાં થતાં તંત્ર દોડતું થઈ ગયું હતું. એ પછી પિતા પુત્રના આરટીપીસીઆર ટેસ્ટના એસવીપી અને ખાનગી લેબના રિપોર્ટમાં પણ વિરોધાભાસ જોવા મળ્યો હતો.