પશ્ચિમ બંગાળ : BJP નેતાની પોલીસ સ્ટેશનની સામે જ ગોળી મારી હત્યા, 12 કલાકનું બંધનું એલાન



પશ્ચિમ બંગાળ (West Bengal) : પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગના જિલ્લામાં (BJP) ભાજપના નેતા મનીષ શુક્લાની અજાણ્યા શખ્સોએ ગોળી મારીને રવિવારે મોડી રાત્રે હત્યા કરી દીધી હતી. જીલ્લાના ટીટાગઢ પોલીસ સ્ટેશનની સામે શુક્લાની હત્યા કરવામાં આવી છે, ત્યારબાદ અહીં તંગદિલી સ્થિતિ પ્રવર્તી છે. ઘટનાની ગંભીરતાને જોતા મોડી રાતથી અહીં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ મામલાને ગંભીરતાથી લેતા રાજ્યપાલ જયદીપ ધનખડે એ કાયદો અને વ્યવસ્થાના મુદ્દા પર ચર્ચા કરવા સોમવારે રાજ્યના ડીજીપી સહિતના તમામ અધિકારીઓને રાજભવન બોલાવ્યા છે.

આ મામલે સીબીઆઈ (CBI) તપાસની માંગણી ભાજપના નેતા કૈલાસ વિજયવર્ગીયએ કરી છે. આ સાથે જ પોલીસ હવે મનીષ શુક્લાનું પોસ્ટમોર્ટમ કરાવી તેની તપાસ આગળ ધપાવી રહ્યા છે. પશ્ચિમ બંગાળ ભાજપના મહાસચિવ સંજયસિંહે આ ઘટના અંગે મમતા બેનર્જી સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ટીટાગઢ પોલીસ સ્ટેશનની સામે પાર્ટી ઓફિસમાં મનીષ શુક્લા રવિવારે રાત્રે 8.30 વાગ્યે બેઠા હતા. એ જ સમયે અહીં બાઇક પર આવેલા શખ્સોએ તેમના ઉપર ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ મનીષને પહેલા બેરકપુરની બી.એન.બોસ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અહીં તેમની ગંભીર હાલત જોઈને તેમને એપોલો હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ બનાવમાં એક યુવકને ગંભીર ઈજા પણ પહોંચી છે. પશ્ચિમ બંગાળ ભાજપે આ ઘટનાના વિરોધમાં બેરકપુરમાં 12 કલાકનું બંધનું એલાન આપ્યું છે.