![]() |
પ્રતીકાત્મક તસ્વીર |
ગુજરાત : કોરોના વાઇરસની મહામારીના કારણે નાગરિકોને તત્કાલ સારવાર મળી રહે અને કોરોના સંક્રમણને રોકવા માટે નિદાન એક અગત્યનું પાસું છે. તેના માટે રાજ્ય સરકારે યોગ્યતા ધરાવતી લેબોરેટરીઓને કોવિડ-19 (Covid-19) માટેનો રેપિડ એન્ટિબોડી ટેસ્ટ (Rapid Antibody Test) કરવા માટે મંજૂરી આપવાનો મહત્ત્વનો નિર્ણય કર્યો છે.આના માટે જે-તે જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને કોર્પોરેશનના આરોગ્ય અધિકારીને મંજૂરી આપવા માટે અધિકૃત કરાયા છે એમ આરોગ્ય વિભાગની યાદીમાં જણાવાયું છે. જેમાં ELSIA ફોર એન્ટિબોડી ટેસ્ટ અને CLIA ફોર એન્ટિબોડી ટેસ્ટ કરવાની મંજૂરી આપી છે.
આ રેપિડ એન્ટિબોડી ટેસ્ટ માટેના કિંમત નિયત કરવામા આવ્યા છે, જેમાં ELSIA ફોર એન્ટિબોડી ટેસ્ટ દર્દી લેબોરેટરીમાં જઈને ટેસ્ટ કરાવે તો રૂપિયા 450 અને દર્દીના ઘરે કે હોસ્પિટલમાં જઈ સેમ્પલ કલેકટ કરે તો રૂપિયા 550, જ્યારે CLIA ફોર એન્ટિબોડી ટેસ્ટ માટે દર્દી લેબોરેટરીમાં જઈને ટેસ્ટ કરાવે તો રૂપિયા 500 અને દર્દીના ઘરે કે હોસ્પિટલમાં જઈ સેમ્પલ કલેકટ કરે તો રૂપિયા 600ની કિંમત નિયત કરવામાં આવ્યા છે. આ દરમાં તમામ પ્રકારના ચાર્જનો સમાવેશ થાય છે, જેથી આ દર્શાવેલા ચાર્જ ઉપરાંત કોઈપણ પ્રકારનો વધારાનો ચાર્જ લઈ શકાશે નહિ અને જો કોઈ લેબોરેટરી વધારાનો ચાર્જ લેશે તો તેની માન્યતા આપોઆપ રદ ગણાશે, એમ વધુમાં જણાવાયું છે.
લેબોરેટરીએ ટેસ્ટ કરવા માટે આઈ.સી.એમ.આર. માન્યતા પ્રાપ્ત ELISA કે CLIA રેપિડ એન્ટિબોડી ટેસ્ટ કિટ વાપરવાની રહેશે તેમજ રિપોર્ટમાં એનો ઉલ્લેખ કરવાનો રહેશે. માન્યતા આપવામાં આવેલી તમામ લેબોરેટરીઓએ ભારત સરકાર કે રાજ્ય સરકારની વખતોવખતની માર્ગદર્શિકાનો અચૂક અમલ કરવાનો રહેશે. જે લેબોરેટરીને RT-PCR ટેસ્ટની મંજૂરી મળેલી હોય તેને પણ રેપિડ એન્ટિબોડી ટેસ્ટની મંજૂરી મેળવવાની રહેશે. લેબોરેટરીએ જે-તે દિવસે કરેલા ટેસ્ટની સંપૂર્ણ વિગતો જે-તે જિલ્લા/કોર્પોરેશનને અચૂક આપવાની રહેશે અને આ માહિતી દર્દી અને હોસ્પિટલ સિવાય અન્ય કોઈપણ સંસ્થાને આપવાની રહેશે નહિ.