કોરોના કહેરના કારણે 5 હજાર વર્ષ જૂની પરંપરા તૂટશે, જગવિખ્યાત રૂપાલની પલ્લીનો મેળો નહીં યોજાય


ગાંધીનગર : કોરોના કહેરના કારણે એક પછી એક આવતા તહેવારોને પણ ગ્રહણ લાગી રહ્યું છે. જયારે ગાંધીનગરમાં રૂપાલ ગામમાં નોમની નવરાત્રિની રાત્રી બાદ નીકળતી રૂપાલની પલ્લીને લઈને એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. આ વર્ષે કોરોનાનું સંક્રમણ ના ફેલાય તેના માટે નવરાત્રીની જેમ પલ્લીમેળો પણ યોજાશે નહીં. કોરોના સંક્રમણના કારણે રૂપાલની પલ્લીને લઈને આ નિર્ણય લેવાયો છે. પરંતુ મહાભારતકાળથી ચાલતી આ પરંપરા જળવાય તે માટે પુર્ણ ધાર્મિકવિધી સાથે પ્રતિકાત્મક પલ્લી ગ્રામજનોની હાજરીમાં જ ગામમાં નિકળે તેવી ભક્તોની લાગણી છે જો કે, આ બાબતે કલેક્ટર દ્વારા નિર્ણય લેવાનો બાકી છે તે પહેલા પલ્લીના વિવિધ મંડળો તથા ગ્રામજનો સાથે વહિવટીતંત્રની ખાસ બેઠક પણ બોલાવવામાં આવશે. પરંતુ હાલની સ્થિતિએ આંતિરક સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે રૂપાલની પલ્લીનો મેળો કોઇ પણ સંજોગોમાં યોજાય તેમ નથી. એટલુ જ નહીં, નવરાત્રિ દરમિયાનના દિવસોમાં ગામમાં દુકાનો પણ બંધ રાખવાની વિચારણા ચાલી રહી છે જેથી ગામમાં વધતો જતો કોરોનાનો ચેપ કાબુમાં લઇ શકાય.

સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, આ વખતે નવરાત્રીની નોમ તા.25 ઓક્ટોબરના રોજ છે ત્યારે આ નોમની મધરાત્રી બાદ પરંપરાગતરીતે એટલે કે, પુર્ણ ધાર્મિકવિધી સાથે પ્રતિકાત્મક પલ્લી ગામમાં નિકળે તે જરૂરી છે ગામમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ રહે તથા ફરજીયાત માસ્ક સહિતના સરકારના તથા કોવિડના તમામ નિયમોનું પાલન કરીને ગામને બહારથી બ્લોક કરીને ગ્રામજનોની હાજરીમાં ગામના પરંપરાગત રૂટ પર પલ્લી વિધીવતરીતે ફરે અન ચોખ્ખાઘીનો પ્રતિકાત્મક અભિષેક પણ થાય તેવી માંગણી ઉઠી છે. આ બાબતે કલેક્ટર અને ગ્રામજનો તથા પલ્લીના વિવિધ મંડળો સાથે ચર્ચા વિચારણા આગામી દિવસોમાં કરવામાં આવશે અને ત્યારબાદ કોરોનાનું સંક્રમણ વધે નહીં અથવા તો તે વખતની કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પરંપારાગત પ્રતિકાત્મક પલ્લી નિકાળવા અંગે નિર્ણય લેવામાં આવશે.

આ રૂપાલ ગામમાં વરદાયિની માતાનું મંદિર આવેલું છે. અહીં નવરાત્રીની નોમની રાત્રીએ પલ્લીનો મેળો ભરાય છે. આ પલ્લી પર ઘી ચડાવવાની માનતા રાખનારની દરેક પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે તેથી પલ્લી પર ઘી ચડાવવાનો ખૂબ મહિમા છે. લોકોની માનતાનું ઘી પલ્લી પર ચડાવાય છે ઉપરાંત અન્ય ટ્રેકટર, તપેલાં અને કોઠીઓ ભરીને ઘી રાખેલું હોય છે તે ઘી પણ પલ્લી પર ચડાવવામાં આવે છે. પલ્લીના દિવસે રૂપાલ ગામમાં ઘીની નદીઓ ઉભરાય છે. આ ઘીનો લોકો વિવિધ રીતે ઉપયોગ પણ કરે છે.