પાલડીમાં 73 પાડા ભરેલી ટ્રક ઝડપાઇ, ડ્રાઇવર ટ્રક મૂકી નાસી ગયો


અમદાવાદ : શહેરના પાલડીમાં નારાયણનગર રોડ પરથી પોલીસ અને ગૌરક્ષકોએ પાડા ભરેલી ટ્રક પકડી પાડી હતી. જોકે ટ્રક ડ્રાઇવર અને તેના સાગરિતો અંધારામાં ટ્રક મૂકીને નાસી ગયા હતા.

પાલડી પોલીસને બાતમી મળી હતી કે પાડા ભરેલી એક ટ્રક પાલડીથી એનઆઈડી સર્કલ થઈ દાણીલીમડા તરફ જવાની છે, જેના આધારે પાલડી પોલીસે પાલડી નારાયણનગર રોડ પર નાકાબંધી ગોઠવી હતી. અને મોડી રાતે પોલીસની નાકાબંધી જોઈ ટ્રકચાલક અને તેના સાગરિતો થોડે દૂર જ ટ્રક મૂકીને નાસી ગયા હતા. પોલીસે ગીતાબહેન રાંભિયા સ્મુતિ ટ્રસ્ટના માણસોને બોલાવી પાડા ભરેલી ટ્રકને પાંજરાપોળમાં મોકલી આપ્યા. પોલીસે ટ્રકની તપાસ કરતાં તેમાંથી 73 પાડા મળી આવ્યા હતા. તે પાડાની આશરે કિંમત 1,46,000 રૂપિયા જેટલી છે. પોલીસે પાડા ભરેલો ટ્રક કબજે કરી નાસી છૂટેલા આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.