કોરોના વિસ્ફોટના કારણે આવતીકાલથી અમદાવાદ રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ જાહેર

પ્રતીકાત્મક તસ્વીર

અમદાવાદ : શહેરમાં દિવાળીના તહેવાર પછી કોરોનાના દર્દીઓના કેસો અચાનક વધી રહ્યાં છે. AMC દ્વારા ડો. રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, શહેરમાં કોરોના કેસો વધુ ન ફેલાય એ માટે અચાનક પગલા લેવાની જરૂર છે. જેથી આવતીકાલ એટલે કે 20 નવેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નવી સૂચના ન આવે ત્યાં સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવે છે. 1લી ઓગસ્ટે અમદાવાદમાંથી કર્ફ્યૂ હટાવવામાં આવ્યો હતો. આ કર્ફ્યુ ક્યાં સુધી લાગુ રહશે તેની કોઈ ચોક્કસ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી.

રાત્રી કર્ફ્યુમાં હોટલો, રેસ્ટોરેન્ટ, બસ સેવા, થિએટર, રાત્રી બજાર, પાનના ગલ્લા અને ચાની કિટલીઓ રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી આટલી વસ્તુઓ બંધ રહેશે. અમદાવાદ શહેરમાં સરકારી હોસ્પિટલોમાં કુલ 900થી વધુ પથારીઓ આજે જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ શહેર માટે વધુ 300 ડોક્ટર અને 300 મેડિકલ સ્ટુડન્ટની આજે ફાળવણી કરવામાં આવી રહી છે.