અમદાવાદ : દિવાળીની મીઠાઈના નામે કેટલાક સરકારી કર્મચારીઓ પૈસાના કવર તેમજ મોંઘી ગિફ્ટ લેતા હોય છે. આવા તમામ સરકારી કર્મચારીઓ, બાબુઓ ઉપર બાજનજર રાખવા માટે ACBએ રાજ્યભરમાં જુદી જુદી સરકારી કચેરીઓની ACB પોલીસની ટીમ ખડકી દીધી છે જે તમામ પર નજર રાખશે. આ મોંઘી ગિફ્ટ કે પૈસાના કવર પણ લાંચની વ્યાખ્યામાં આવે છે, જેથી દિવાળીના નામે લેવાતી લાંચ રોકવા તેમજ લાંચિયા સરકારી કર્મચારીઓ, બાબુઓને રંગેહાથે પકડવા માટે દિવાળીના અઠવાડિયા પહેલાં ખાસ ડ્રાઈવ યોજવામાં આવી છે.
દિવાળીમાં સરકારી કર્મચારીને મીઠાઈનું પેકેટ આપવું તે પણ લાંચની વ્યાખ્યામાં આવે છે, પણ દિવાળીમાં સગાં-સબંધી તેમજ મિત્રો એકબીજાને મીઠાઇ - ચોકલેટ - ડ્રાયફ્રૂટના પેકેટ ગિફ્ટમાં આપતાં હોવાના કારણે આ વાત બહુ સામાન્ય છે. જેથી આ સિવાયના પેકેટ કે જે શંકા ઉપજાવે તેના ઉપર એસીબીના અધિકારીઓની બાજનજર રહે છે. જો કોઇ વેપારી મોંઘી ગિફ્ટ કે પૈસાના કવર આપવા આવ્યા હોવાની શંકા જાય તો એસીબી તે વેપારીને રોકીને ચેક કરે છે.
ACBના અધિકારીઓનું કહેવું છે રાજ્યના જુદા જુદા સરકારી કચેરીમાં કામ કરતા અધિકારીઓ-કર્મચારીઓ દિવાળીના નામે વેપારીઓ પાસેથી આખું વર્ષ કામ સરળતાથી પાર પડે તે માટે મોંઘી ગિફ્ટ કે પૈસાના કવર માંગતા હોય છે, જોકે વેપારીઓ પણ લાગતા વળગતા અધિકારી-કર્મચારીઓને સાચવવા ગિફ્ટ-કવર આપતાં હોય છે. કોઈ કચેરીમાં આવા કોઈ કવર આપવામાં આવેતો ACB ની ટીમ તરત જ એક્ટિવ થઇ જાય છે અને જે-તે સરકારી કર્મચારીને પૈસા-કવર સાથે ઝડપી લે છે.
જો તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી કોઈ મોંઘી ગિફ્ટ કે લાંચ, પૈસાનું કવર માગેતો તમે 1064 ફોન કરીને ફરિયાદ કરી શકો છો.