ગાંધીનગર : ગુજરાતમાં 69 લાખ પરિવારના 3.36 કરોડ લોકો રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ સામેલ છે. તેમને સસ્તા ભાવનું અનાજ મળવાપાત્ર છે. ગરીબોને સસ્તું અપાતું રાશન સુખી-સમૃદ્ધ લોકો, કાર ધરાવતાં લોકો પણ ગરીબો માટેની આ યોજનાનો લાભ લેતા હોવાનું ધ્યાને આવ્યું છે. રેશનકાર્ડની દુકાન આગળ કારો લઈને લોકો રાશન લેવા જતા હોવાની ફરિયાદ પણ સામે આવી હતી. ત્યારે રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે.
હવે કાર ધરાવતા લોકો રાશનનો લાભ લેવા જશે તો તેમની ખેર નથી. રાજ્યમાં કાર ધરાવનારા લોકો પણ સરકારની રેશનિંગનો લાભ લેતા હોવાની ફરિયાદોને આધારે પુરવઠા વિભાગને મળી રહી છે. ત્યારે પુરવઠા વિભાગ રાજ્યની રીજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (RTO) કચેરીઓ સાથે મળીને વાહન ધરાવતા લોકોને સરકારી લાભ લેતા અટકાવવાની એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે. કાર ધરાવતા લોકોનું લિસ્ટ આપવા RTOને કહેવામાં આવ્યું છે. RTO દ્વારા મળેલા ડેટાના આધારે કાર ધરાવનાર બોગસ લાભાર્થીઓનાં નામો રેશનિંગ કાર્ડમાંથી કમી કરવામાં આવશે.
રાજ્યમાં પણ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો 2013માં તેનો અમલ શરૂ થયો હતો. આ યોજનાના લાભાર્થી નક્કી કરવા માટે નિશ્ચિત માપદંડ નક્કી કરાયા હતા. શહેરી વિસ્તારને લાગે છે ત્યાં સુધી પાકા મકાન, કારની માલિકી જેવા માપદંડો પણ નિયત કરાયેલા છે. RTOની યાદીના આધારે બોગસ લાભાર્થીઓનાં નામોની બાદબાકી કરી નાખવામાં આવ્યાં પછી ડોર-ટુ-ડોર સર્વે હાથ ધરવામાં આવશે. પાકા મકાનમાં રહેતા લાભાર્થીઓનાં નામો કાઢી નાખવામાં આવશે.
હવે સરકાર RTO સિવાય જન્મ-મરણ વિભાગ સાથે પણ આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પુરવઠા વિભાગે છેલ્લા બે મહિના દરમિયાન માત્ર અમદાવાદમાંથી 1000થી વધુ નામ કમી કરી નાખ્યાં છે. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ એક વર્ષથી લાભ નહીં લેનારા લોકોનાં નામ પણ કાઢી નાખવામાં આવ્યાં છે. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો 2013માં લાગુ થયો હતો. ઘણા લોકો બિનજરૂરી રીતે સબસિડી મેળવે છે. સુખી સંપન્ન લોકોનાં નામ કમી થાય તો જરૂરિયાતમંદોને વધુ સહાય આપી શકાય. સરકાર પર પણ ફૂડ સબસિડીનો આર્થિક બોજ ઘણો હળવો થઇ શકે.