વિદેશી તેમજ ઓન લાઈન ફટાકડાના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ, રાતે 8 થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની મંજૂરી

પ્રતીકાત્મક તસ્વીર
ગુજરાત : રાજ્ય સરકારે દિવાળીના તહેવારમાં રાતે 8 થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની મંજૂરી આપી છે. અમદાવાદમાં કલમ 144નો અમલ ચાલુ હોવાથી 4 કરતાં વધારે લોકો ભેગાં થઇને ફટાકડા ફોડી શકશે નહીં. વધુ અવાજ કે કચરો કરતા ફટાકડા તેમજ લૂમ ફોડી શકાશે નહીં. લાઈસન્સ ધરાવતા વેપારી સિવાય બીજા કોઇ ફટાકડા વેચી શકશે નહીં. અને વિદેશી ફટાકડા તેમજ ઓન લાઈન ફટાકડાના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

રાજ્ય સરકારના નીતિ નિયમોના પાલન વગર ફટાકડા ફોડનાર અને વેચનારની પોલીસ ધરપકડ કરશે. જ્યારે ફટાકડાને લઈને પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ગુનો નોંધી ધરપકડ કરવાની સત્તા હેડ કોન્સ્ટેબલ અને તેમનાથી ઉપરના તમામ પોલીસ અધિકારીને આપવામાં આવી છે. હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, સ્કૂલ-કોલેજ, કોર્ટ, ધાર્મિક સ્થળોથી 100ની ત્રિજ્યામાં ફટાકડા ફોડી શકાશે નહીં, વિદેશી ફટાકડાની આયાત-નિકાસ પર પ્રતિબંધ હોવાથી વિદેશી ફટાકડા રાખી કે ફોડી શકાશે નહીં, લોકોને અડચણ ઉભી થાય કે ભયનું વાતાવરણ ઉભું થાય તે રીતે કોઇ પણ જાહેર સ્થળે ફટાકડા ફોડી શકાશે નહીં, ચાઈનીઝ તુકકલ અને આતશબાજી બલુન ફોડી શકાશે નહીં, તેમજ હવામાં પ્રદુષણ કરતા અને મોટો અવાજ કરતા ફટાકડા ફોડી શકાશે નહીં.