રાજકોટ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાથી 5 દર્દીને આગ ભરખી ગઈ, મુખ્યમંત્રીએ 4 લાખની સહાયની કરી જાહેરાત


રાજકોટ : ગુજરાતમાં ફરી હોસ્પિટલમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. રાજકોટમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ICU વોર્ડમાં મોડી રાત્રે આગ લાગી હતી. જેમાં ICU વોર્ડમાં 11 દર્દી હતા પણ 6 દર્દીને બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે 5 દર્દીને આગ ભરખી ગઈ. અને 5 લોકોના મોત થયા છે. કોવિડ વોર્ડમાં 33 દર્દીઓ સારવાર હેઠળ હતા. હોસ્પિટલમાં આગની ઘટનાને  લઇને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે.

રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે. સાથે જ આગ લાગવાની દુર્ઘટનાને લઇને મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના પ્રગટ કરી દુ:ખ પ્રગટ કર્યું છે. મુખ્યમંત્રીએ આ આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિઓના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ આ ઘટનાની તપાસ માટે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એકે રાકેશને જવાબદારી સોંપી છે.