ગુજરાત : ભાવનગરના પાલિતાણામાં ઘર કંકાસના કારણે પતિએ પોતાની પત્નીની હત્યા કરી એક્ટિવાના આગળના ભાગે મૃતદેહ રાખી પાલિતાણા નજીક આવેલા રોહીશાળા ગામની સીમમાં કે ડેમમાં મૃતદેહ ફેંકવા માટે જઈ રહ્યો હતો. તેવામાં એક્ટિવામાંથી પગ નીચે ઢસડાતા જોઈને શંકા જતાં ગ્રામજનોએ તેને અટકવાનો પ્રયાસ કરતા તેણે એક્ટિવા ભગાવી મુક્યું હતું. તેનો ગ્રામજનોએ પીછો કરતા તેને ઝડપી લઈ પોલીસને જાણ કરવામાં આવી.
પાલિતાણા રૂરલ અને ટાઉન પોલીસને જાણ થતા કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પોલીસમાંથી ફોન આવ્યો કે અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો છે જેથી મામલતદાર કચેરીમાંથી સર્કલ ઓફિસર ક્રિપાલસિંહ ગોહિલે ઘટનાસ્થળે પહોંચી પંચરોજકામ કર્યુ હતું. ત્યાર બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાલિતાણા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પાલિતાણાના સિંધી કેમ્પમાં રહેતાં અમિત મથુરદાસ હેમનાણી અને તેમના પત્ની નયનાબેન વચ્ચે ઘર કંકાસ ચાલી રહ્યો હતો. આથી અમિતે તેમની પત્ની નયનાબેનની હત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ તો નયનાબેનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હત્યાની વધુ જાણકારી પોલીસ તપાસ પછી જાણી શકાશે.