ટ્રાફિક પોલીસે PUC પૂર્ણ થઇ ગયેલ હોવા કારણે વાહનચાલકને ગુપ્ત ભાગે લાત મારી, ટ્રાફિક પોલીસ સામે ફરિયાદ નોંધાવી

પ્રતીકાત્મક તસ્વીર
અમદાવાદ : કોરોનાના કારણે હાલમાં માસ્ક અંગે પોલીસ સાથે તો વાહન ચાલકોને સંઘર્ષ તો થાય જ છે, પણ હવે PUC મામલે પણ વાહન ચાલક સાથે માથાકૂટ થઈ છે અને વાહન ચાલક દંડ ભરવા તૈયાર હોવા છતાં પણ ટ્રાફિક પોલીસે બિભત્સ વર્તન કરી તેને પેશાબના ભાગે લાત મારતા તેને હોસ્પિટલ લઈ જવો પડ્યો છે. વાહન ચાલકે ટ્રાફિક પોલીસ સામે આ અંગે ફરિયાદ પણ નોંધાવી છે.

આ બનાવની ઘટનામાં અમદાવાદ નજીક આવેલા સાણંદ તાલુકાના ગોધાવી ગામના આકાશ વાઘેલા હાલમાં બોપલ ખાતે રહે છે. તેઓ આસ્ટોડિયા દરવાજાથી નીકળી ઘરે જઈ રહ્યા હતા. ત્યારે ખમાસા ચાર રસ્તા આવતા ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓએ રોક્યા હતા. વાઘેલા ભાઈએ હેલ્મેટ તથા માસ્ક પહેર્યુ હતુ જેથી હાજર પોલીસ કર્મચારીઓ લાઇસન્સ તથા ગાડીના કાગળો માંગ્યા હતા. લાઇસન્સ અને પીયુસી પોલીસ કર્મચારીને બતાવ્યા હતા. આકાશભાઈના વાહનનું PUC પૂર્ણ થઇ ગયેલ અને તેઓ દંડ ભરવા માટે તૈયાર હતા. ટ્રાફિક પોલીસ કર્મચારીએ 1,500 રૂપિયા દંડ ભરવા જણાવ્યું હતું. વાહન ચાલક પાસે દંડ ભરવાના 1,500 રૂપિયા ન હોવાથી તે 500 રૂપિયા આપીને અન્ય રૂપિયા માસાના ઘરેથી મંગાવી આપું છુ, તેમણે આવું કહેતાની સાથે પોલીસ કર્મચારીએ વાઘેલા ભાઈને લાફા માર્યા હતા અને પેશાબના ભાગે લાત મારી હતી. જેના કારણે  તેમણે બૂમાબૂમ કરતાં આસપાસના લોકો ભેગા થયા હતા. 

તેમના પિતાને આ બાબતે જાણ કરતા તેમના પિતાએ કંટ્રોલ રૂમમાં ફોન કરી પોલીસ બોલાવી હતી. વાઘેલા ભાઈને ગુપ્ત ભાગે માર વાગ્યો હોવાથી દુઃખાવો થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગાયકવાડ હવેલી પોલીસે સિવિલ હોસ્પિટલ પહોંચી વાઘેલા ભાઈના નિવેદન પછી અજાણ્યા ટ્રાફિક પોલીસ કર્મચારી સામે ફરિયાદ નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.