પીરાણાના કચરાનાં ઢગમાં દટાયેલી બાળકીનો અડધો મૃતદેહ મળ્યો, અધિકારીઓ પણ ચોંકી ઉઠયા

પ્રતીકાત્મક તસ્વીર
અમદાવાદ : શહેરના પીરાણા રોડ પર આવેલા પીરાણા ડમ્પિંગ સાઇટના કચરાના ઢગલામાં એક અઠવાડિયા પહેલાં 12 વર્ષીય બાળકી દટાયેલી હતી અને તેની લાશ ગઈકાલે બપોરે ફાયર બ્રિગેડની ટીમે શોધી કાઢી હતી. બાળકીનું કચરામાંથી અડધું શરીર મળી આવ્યું હતું. આ લાશ જોઈને ફાયર બ્રિગેડના અધિકારીઓ અને પોલીસનો સ્ટાફ ચોંકી ઊઠયો હતો. ઘટનાસ્થળે પહોંચેલી દાણીલીમડા પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી.

શહેરના પીરાણા ડમ્પિંગ સાઇટ ખાતે તા. 26 સપ્ટેમ્બરના રોજ સાંજે 12 વર્ષની નેહા મનુભાઈ વસાવા નામની બાળકી દટાયેલી હતી અને છેલ્લા એક અઠવાડિયાથી નેહાને શોધવા ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમે શોધખોળ કરી રહી હતી. ત્યારે શનિવારે બપોરના સમયે ફાયર બ્રિગેડને એક અડધા શરીરવાળી લાશ મળી આવી હતી. જેના પગલે દાણીલીમડા પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી. આ લાશને અસારવા સિવિલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી છે. સિવિલમાં પેનલ ડોક્ટર મારફતે પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. જે બાદ ડીએનએના આધારે નેહાની ઓળખ થશે. જો કે, લાશ પર મેળી આવેલ કપડાંના આધારે નેહાની ડેડબોડી હોવાનું હાલમાં મનાવામાં આવી રહ્યું છે.