ગાંધીનગર, 10 ઓગસ્ટ 2026: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં તા. 9થી 17 ઓગસ્ટ દરમિયાન યોજાઈ રહેલી તિરંગા યાત્રાના ભાગરૂપે ગાંધીનગરમાં રાજ્યકક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના ગ-6 સર્કલથી અક્ષરધામ મંદિર સુધી યોજાયેલી આ વિશાળ તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ‘હર ઘર તિરંગા’ અભિયાનને ‘હર દિલ તિરંગા’નું જન આંદોલન બનાવવા આહવાન કર્યું હતું.
ગાંધીનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો તિરંગા સાથે જોડાયા હતા. ગ-6 સર્કલથી અક્ષરધામ મંદિર સુધીનો કુલ 2.4 કિલોમીટરનો રૂટ દેશભક્તિના રંગે રંગાયો હતો. યાત્રાના માર્ગ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, પોલીસ બેન્ડ અને નાસિક ઢોલ દ્વારા દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. આ ઉપરાંત પોલીસ વિભાગના જવાનો દ્વારા રજૂ કરવામાં આવેલ ‘ડેરડેવિલ્સ શો’ પણ યાત્રાનું વિશેષ આકર્ષણ બન્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે દેશને મળેલી મહામૂલી આઝાદીનું ગૌરવગાન કરવા અને આઝાદીના લડવૈયાઓના બલિદાનને ચિરંજીવ રાખવા માટે દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ થયું છે. તેમણે જણાવ્યું હતું કે તિરંગા યાત્રા દેશની એકતા અને અખંડિતતાની યાત્રા છે અને જ્યારે નાગરિકો હાથમાં તિરંગો તથા હૃદયમાં ભારતભક્તિ લઈને તેમાં જોડાય છે ત્યારે ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’નો વિચાર સાકાર થાય છે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આજની પેઢી આઝાદીના લડવૈયાઓના ત્યાગ, તપસ્યા અને બલિદાનને જાણે તથા તેમના જીવનમાંથી પ્રેરણા લઈને રાષ્ટ્ર પ્રથમની ભાવના કેળવે તેવો ભાવ આ તિરંગા યાત્રામાં રહેલો છે. તેમણે વિકસિત ભારત 2047 માટે અત્યારથી જ કર્તવ્યબદ્ધ થવા તથા દેશ માટે જીવવાની અને ભારત માતાને પરમ વૈભવના શિખરે બિરાજીત કરવાની તકને ‘રાષ્ટ્ર પ્રથમ’ના સંકલ્પ સાથે પાર પાડવા આહવાન કર્યું હતું.
ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રધ્વજ માત્ર ત્રણ રંગોનું કાપડ નથી, પરંતુ તે રાષ્ટ્રીય ગૌરવ, એકતા, અખંડિતતા અને શૌર્યનું અમર પ્રતીક છે. તેમણે જણાવ્યું હતું કે ‘હર ઘર તિરંગા’ અભિયાન આજે જન-જનના હૃદયમાં દેશભક્તિની ભાવના પ્રજ્વલિત કરી રહ્યું છે અને ગાંધીનગરની તિરંગા યાત્રા દ્વારા ‘રાષ્ટ્ર પ્રથમ’ના સંકલ્પને વધુ મજબૂત બનાવવાની તક મળી છે.
આ તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ, યુવાનો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. યાત્રામાં ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર, શ્રીમતી રીટાબેન પટેલ, શ્રી જે.એસ. પટેલ, ગુજરાત બાળ આયોગના અધ્યક્ષ શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર, મુખ્ય સચિવ શ્રી મનોજ કુમાર દાસ, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, ગાંધીનગર શહેર સંગઠન પ્રમુખ શ્રી આશિષભાઈ દવે, ગાંધીનગર જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત મહેસૂલ વિભાગના અગ્ર મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ, અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ, ડેપ્યુટી મેયર શ્રી જે.બી. ઠાકોર, પક્ષના નેતા શ્રી અનિલસિંહ વાઘેલા, દંડક શ્રી સેજલબેન પરમાર, ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનર શ્રી જે.એસ. પ્રજાપતિ, કલેક્ટર શ્રી રવીન્દ્ર ખતાલે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.કે. બ્રહ્મભટ્ટ, CRPFના DIG શ્રી ધર્મેન્દ્ર સિંહ, રેન્જ IG શ્રી વીરેન્દ્રસિંહ યાદવ સહિતના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ગાંધીનગરવાસીઓ પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા.
સ્ત્રોત: સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગર હેડ ઓફિસ — તા. 10 ઓગસ્ટ 2026ના સત્તાવાર પ્રેસ રિલીઝ.


